ધારાવી કેમ બન્યું હૉટ સ્પૉટ?

Chitralekha Gujarati|May 25, 2020

ધારાવી કેમ બન્યું હૉટ સ્પૉટ?
મુંબઈનો સૌથી ગીચ વિસ્તાર કોરોનાનો મેજર હૉટ સ્પૉટ બનવા જઈ રહ્યો છે ત્યારે પ્રશાસન ચોવીસ કલાક ખડે પગે કામગીરી કરી હોવાના દાવા કરે છે તો સ્થાનિકો સરકારી પદ્ધતિઓ અયોગ્ય-અપૂરતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. શું છે હકીકત? જોઈએ, ગ્રાઉન્ડ રિપોર્ટ

બ્રિટિશ રાજવટમાં કારખાનાંના કામદારો અને બહારગામથી આવનારા મજૂરો માટે ધારાવીની કામ પૂરતી રહેવાસી વસતી ઊભી કરવામાં આવી હતી. આઝાદી પછી તો સતત બહારગામના મજૂરોનો વધારો મુંબઈમાં થતો ગયો એટલે અહીં જ એક પછી એક ઝૂંપડપટ્ટીઓ સર્જાતી ગઈ. વિસ્તારની જગ્યા ઓછી પડવા લાગી એટલે એકના ઉપર બીજી એમ બહુમાળી ઝૂંપડપટ્ટી સર્જાઈ ગઈ. કોઈએ આ વ્યવસ્થારહિત વધી રહેલી ઝૂંપડપટ્ટી સામે ધ્યાન ન આપ્યું ને ત્યાં રહેતા લાખો લોકોની વોટ બૅન્ક મેળવવા અહીં આવતા નેતાઓ ન આ ઝૂંપડપટ્ટીના સતત વધતા વ્યાપને રોકવાની ચિંતા કરી કે ન એને કાયદાકીય રીતે વ્યવસ્થિત કરવાની. પરિણામે અહીં વિશ્વની સૌથી મોટી ને સૌથી જોખમી બિનસત્તાવાર માનવવસાહત ઊભી થઈ ગઈ છે.

આ વાત એ માટે હવે ચિંતા જન્માવે છે, કારણ કે દેશ-દુનિયા-મુંબઈમાં જે કોરોનાનો કેર વર્તાયો છે એમાં ધારાવી હૉટ સ્પૉટ તરીકે ઊભરી આવ્યું છે ને નિષ્ણાતો કહી રહ્યા છે કે આગળની સ્થિતિ કલ્પી શકાય એમ પણ નથી. કોરોનાની લડાઈમાં સૌથી મહત્વનું સોશિયલ ડિસ્ટન્સિંગ ને મેડિકલ ડિસિપ્લિનનું પાલન ધારાવીમાં અશક્ય છે.

ધારાવી મુંબઈની ભૂગોળમાં માત્ર ૦.૫૫ ટકા હિસ્સો ધરાવે છે. ૨.૧ ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી આ વિશાળકાય અનધિત ઝૂંપડપટ્ટીમાં ૮ લાખ ૫૦ હજારથી વધુ વસતિ છે. મુંબઈમાં પ્રતિ હેક્ટર ૨૨૮ લોકો વસે છે, જ્યારે ધારાવીમાં એ સંખ્યા ૩૮૪૬ છે. અહીં મોટા ભાગનાં ઘર આઠ બાય દસ કે દસ બાય દસ ફૂટનાં છે. મોટા ભાગનાં ઘરમાં આઠ કે દસ વ્યક્તિ રહે છે. ધારાવીમાં ૮૦ ટકા લોકો ૧00 ચોરસ ફટથી નાનાં ઘરમાં રહે છે. આ આંકડા જ ધારાવીની ગીચ વસતિનો ને ત્યાંના લોકોની અડચણોનો અંદાજ આપવા પૂરતા છે.

મુંબઈનાં માહિમ-માટુંગાની વચ્ચે ઊગી નીકળેલો આ વિસ્તાર જોતજોતામાં વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં બદલાઈ ગયો, પણ આશ્ચર્યજનક વાત એ છે કે મુંબઈના સૌથી પોશ વિસ્તારોમાંથી એક ને સૌથી મહત્ત્વના વ્યાવસાયિક કેન્દ્ર બાન્દ્રા- કુર્લા કૉપ્લેક્સથી એ માત્ર બે કિલોમીટર દૂર છે. અહીં ૬૩ ટકા હિંદુ ને ૩૦ ટકા મુસલમાનો સાથે તમામ જાતિ-ધર્મના લોકો રહે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020